RSS

Daily Archives: September 23, 2011

‘લાડવા’ ક્યારે ખવડાવો છો? ;)

એક રસપ્રદ સમાચાર હમણાં છાપે ચડ્યા છે. ભારતના કાશ્મીરથી તમિલનાડુ, ગુજરાતથી બંગાળ ચારે દિશાઓ, અરે મધ્યમાં દિલ્હી-ઉત્તરપ્રદેશ સુધી બધા લાઈફ પાર્ટનર વિનાના સિંગલ મુખ્યમંત્રી શાસન કરે છે! અડધોઅડધ યાને લગભગ સાઠ કરોડની વસતિ પર! એમ તો સોનિયા ગાંધી પણ સિંગલ ગણાય, ને અન્ના હઝારેનું ય એવું જ. ભીષ્મથી શરુ થયેલી આ પરમ્પરા વાજપેયી ને અબ્દુલ કલામે પણ નિભાવી છે! 😉 સલમાનનો સ્ટાર પાવર બાજુએ રાખો, તો ય ૨૦૧૪માં રાહુલ  v/s મોદી થવાનું હોય – એ ય સિંગલ આગેવાનો વચ્ચેનું ચુનાવી દંગલ હશે 😀

એની વે, આ વાત લાઈટ મૂડમાં એફબી પર શેર કરી ને રીડરબિરાદરોને જલસો પડી ગયો. બધાએ હળવી મજાકો કરી…આ હજુ ય સિંગલ એવા ડિંગલિયા લેખકડાના વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલની શબ્દપુષ્પવૃષ્ટિ કરી. ટીવી પર સ્વયંવર યોજવાના વાજાં પણ વાગ્યા 😀 હજુ નોરતાં શરુ થાય એ પહેલા lol નો ગરબો જામ્યો ! ને હસવાનું એ ય ખુદ પર, એમાં તો બવ્વ જ મજ્જા પડે..સાચ્ચે જ 🙂

વેલ, લસ્ટ કરતા લવ અઘરો ને લવ કરતા લિવિંગ ટુગેધર એવું હું અનેક વાર લખી-બોલી ચુક્યો છું. મેરેજ પર દિલથી ઘણું લખ્યું છે ને ચાનક ચડી તો એ ય અહીં શેર કરીશ. પણ આ તો હળવી વાતમાંથી મને મેં જ વર્ષો પહેલા લખેલો એક કટાક્ષલેખ યાદ આવ્યો, જે અહીં મૂકું છું, જરાતરા ફેરફાર સાથે. સીરિયસ ના થતા. ઈટ્સ ઇન લાફ્ટર મૂડ. કાલે જરાક મુદ્દા પર વાત કરીશું. આજે મસ્તી 😉

જનરલને બદલે પર્સનલ વાત કરું તો લેખમાં ઝિંગથિંગ ઉપરનો છેલ્લો ફકરો મારા માટે ત્યારે ય અગત્યનો હતો ને આજે ય છે. જાતભાતની અફવાઓ ને ગેરસમજો ચાલે છે, પણ બાકી બધું બૌદ્ધિક પિંજણ રમૂજ માટે જે કર્યું તે — વ્યક્તિગત રીતે  ચંદ શિખામણખોર પંચાતિયાઓની  ઇરીટેટિંગ ઇન્કવાયરીઝ (બધા ઓનલાઈન ફ્રેન્ડલોગે બંધબેસતી પાઘડી ના પહેરવી..આ લેખ લખાયો ત્યારે હું સોશ્યલ નેટવર્ક પર હતો ય નહિ..ઘણાદોસ્તો સાથે ગમ્મત કરવાની મજા પડે છે..આ તો ક્યારેક જ ઓનલાઈન -ઓફલાઈન  ભટકાતા કેટલાક સચમુચ પકાઉ ‘વડીલો’ને લાગુ પડે છે )  બાદ કરું, તો ઘરના અંગત સ્વજનની જેમ મારી  દિલથી ફિકર કરનાર અને  ખબરઅંતર પૂછનાર  સેંકડો રીડર રાજ્જા-રાણીઓને આ વ્હાલથી ઈ-હગ આપીને આભાર માનું છું. યે પ્યાર હી તો હૈ આપ સબ કા. પ્યાર બેસુમાર. લગાતાર. તો, દુઆમેં યાદ રખના 🙂

‘હવે લાડવા ક્યારે ખવડાવો છો?’

‘ઓહો, મને એમ કે તમને ચોકલેટના જમાનામાં જૂનવાણી ગળપણ નહિ ભાવતું હોય. વાંધો નહિ, બોલો કયા કંદોઈને ત્યાંથી મંગાવું? ઘેર ભાખરી બનાવડાવી કે મૂઠિયા બનાવીને ગરમાગરમ ચોખ્ખું ઘી રેડી દઉં? ગોળના ચૂરમાના લાડવા ભાવે કે ખાંડસરીવાળા? કે પછી મગજની લાડુડીઓ? કે બૂંદીના મોતીચૂર લાડુઓ?’

‘અરે યાર, એ નહિ…’

‘કેમ? આ તો બધા ભાવે તેવા સ્વાદિષ્ટ-’

‘હશે, પણ આપણે તો પેલા લાડવા…’

હવે તમારે માથું ખંજવાળવું પડે… ‘પેલા’ લાડવા વળી ક્યાં મળતા હશે? સિંદબાદ ખલાસીની જેમ દરિયો ખેડવો પડતો હશે? હરક્યુલીસની પેઠે પરાક્રમો કરવા પડશે? કોઈ ભેદી ટાપુ પર લાડવાનો ખજાનો દટાયેલો હશે? કોઈ તપસ્યા પછી અક્ષયપાત્ર મેળવવાનું હશે?!

ત્યાં પ્રશ્ન પૂછનારા હિતેચ્છુને દયા આવે એટલે કહેશે – ‘લગન… લગ્નના લાડવા… હવે ઘોડે ક્યારે ચડો છો?’

પુરૂષો માટે વાત લાડવે પૂરી નથી થતી… લાડવા માટે ઘી-ઘઉંના ભાવનો વિચાર કરો ત્યાં તો તબડક તબડક કરતો ઘોડો વચ્ચે કૂદી આવે! કોઈક ડાયાબિટિસ વિનાનો સુખીયો જીવ બે’ક લાડવા આરોગે એટલા માટે આપણે ઘોડેસવારીનું જોખમ વહેરવાનું? શાહરૂખખાને કબૂલ કર્યું કે એને ઘોડા પર ચડવામાં ભારે બીક લાગે છે! (નેચરલી, શાહરૂખના આંતરધર્મીય પ્રેમલગ્ન પણ ખાસ્સી કસરત પછી થયા હતા!) ફિલ્મોમાં ભાગ્યે જ એ આવા શૉટ આપે છે. એની લાક્ષણિક રમૂજી અદામાં એણે કટ ફટકારી… ‘કિસી ઈન્સાન યા જાનવર કે ઉપર સવાર હો કે મૈં અપની પહચાન બનાના નહીં ચાહતા!’

પણ લાડવાની માફક ઘોડો પણ કાલ્પનિક હોય છે. મૂળ વાત હોય છે ‘તમે ક્યારે પરણો છો?’ …ખરેખર તો સાચો સવાલ આ પણ નથી હોતો. સાચો સવાલ હોય છે ‘તમે પરણતા કેમ નથી?’ પણ કાણાને કાણો કહેવા કરતાં ‘શાને ખોયા નેણ?’ એવું ઠાવકાઈથી પૂછવાની સાત્વિક પરંપરા છે. એટલે ભોગ બાપડા લાડવા કે ઘોડાનો લેવાઈ જાય છે. આમ તો લગ્નની માયાજાળ ચ્યુઈંગગમની જેમ ચગળ્યે રાખવાની ચીજ છે – પણ એવું થોડું પૂછાય કે પિપરમિન્ટ ક્યારે ખવડાવો છો? ને દુલ્હાઓ ચાર પગવાળા અશ્વોને મૂકી ચાર પૈડાંવાળા રથમાં ફરે છે – પણ એવું થોડુ કહેવાય કે હવે સેન્ટ્રો/ઈન્ડિકા/ એસ્ટીમ કે વર્ના વગેરેમાં ક્યારે બેસવાના છો? 😀

એટલે ડાબે હાથે કાન પકડવાના સવાલોનો તોપમારો શરૂ થાય છે. આ કંઈ ‘ઢાંઢા થયેલા વાંઢા’ઓની જ વ્યથા છે, એવું ન માનતા… કન્યારત્નોને તો હવે આ સવાલો વહેલા પૂછાવા લાગે છે. કોઈના લગ્નમાં કોઈ કુંવારી તૈયાર થયેલી છોકરી દેખાય કે મહિલામંડળ શરૂ થઈ જાય – ‘હવે તારે ક્યારે પરણવું છે, એલી?’ …આ સવાલોનો સામનો છોકરા-છોકરી કરતા એમના મા-બાપ કે નિકટના સ્વજનો મિત્રોને વધારે કરવાનો આવે છે.

અલબત્ત, આવું પૂછનારામાં બે મુખ્ય વર્ગ હોય છે. એક બહુમતીમાં છે – જેને બીજી કશી લાંબીટૂંકી લપ્પનછપ્પન નથી – પણ ‘અમે પરણ્યા તો તમે કેમ નહિ?’વાળી વેરવૃત્તિ અથવા તો ‘આ છેલછોગાળો કે છપ્પનછુરી કેમ નહિ પરણતા હોય?’વાળી વિસ્મયવૃત્તિ હોય છે. તમે આંખ સામેથી ઓઝલ થાવ કે તમારો લગ્નમંડપ પણ એમના દિમાગમાંથી અદ્રશ્ય થઈ જાય છે. વળી પાછા ભટકાઈ જાવ તો ‘કેમ છો, મજામાં’ની માફક ‘સજા’માં છો કે નહિ એવું જાણવા પૂરતો આ સવાલ પૂછી લેવાય છે. 🙂

એમાં એક પેટાવર્ગ એવો હોય છે કે જેમને તમારી મોઢે આ પ્રશ્નની ચર્ચા કરવા કરતાં ગામની મોઢે આ પ્રશ્નનું ચર્ચાસત્ર છેડીને એમના તારણો, કારણો અને મારણો આપવાનો ઉભરો આવતો રહે છે. બીજો લધુમતી વર્ગ ખરેખર, જેન્યુઈનલી, લાગણીથી પ્રેરાઈને આ સવાલ થોડા સંકોચ છતાંય પૂછતો હોય છે. એમને તમારી સાથે સહાનુભૂતિ હોય છે, તમારી ગાડી પાટે ચડે (?) કે તમે જરા ઠરીઠામ થાય તો એમને હૈયે ટાઢક વળતી હોય છે. એમના સવાલમાં સાચી ઝંખના, દર્દ કે આશાનો સૂર પડઘાતો હોય છે.

અફકોર્સ, આમાં પણ એક ‘મિનિ ગ્રુપ’ હોય છે જે પોતાની નજરમાં રહેલા યોગ્ય ‘ઠેકાણા’ને વટાવવા માટે ઝીણી નજરે આ સવાલનો જવાબ શોધતા રહે છે. જરાક જગ્યા મળે તો લાગ જોઈને એમના પસંદીદા ઉમેદવારોને તમારી પસંદગી બનાવવા માટે આગળ ધરી દેવા એ લોકો કેસરિયાં કરી શકે છે. (એક માઈક્રોમિની ગ્રુપને જેન્યુઈન્લી જુદી જ ફિકર ૨૧મી સદીમાં થાય છે: આ છોરો કે છોરી નોર્મલ તો હશે ને ! ક્યાંક સાવ બોબી ડાર્લિંગ જેવી બાયોલોજીમાંથી કલમ ૩૭૭ની સાયકોલોજી નહિ થઇ હોય ને ! lolzzzzzz)

ઈન શોર્ટ, નોર્મલ યુવક-યુવતીઓ નોર્મલ ઉંમરે ઉત્સાહભેર પરણી જાય, એમાં સમાજને જેટલો આનંદ નથી હોતો – એનાથી અનેકગણુ આશ્ચર્ય ‘એબ્નોર્મલ’ નર-નારીઓ, એબ્નોર્મલ ઉંમર સુધી પરણ્યા વિના રહે તેમાં થતું હોય છે. અંગ્રેજી શબ્દ મેરેજ ‘ટુ મેરી’ યાને ‘આનંદ કરવા’ની ભાવનામાંથી આવ્યો છે. મૂળ સંસ્કૃત શબ્દ ‘લગ્ન’માં ‘લગ્‌’ ધાતુ છે. યાને લાગવું, લગાવ… લાગણી… ફારસી શબ્દ ‘શાદ’ એટલે સુખી, પ્રસન્ન… યાદી શાદી એટલે સુખનો ખજાનો… ઉદ્દાલકના પુત્ર શ્વેતકેતુના વિવાહસંસ્કારની શરૂઆતથી સૂરજ બડજાત્યાની ‘વિવાહ’ બ્રાન્ડ ફિલ્મો સુધી લગ્નને પડદા પર જોવાનું પણ ચૂંબકીય આકર્ષણ રહ્યું છે.

મતલબ, યુગોથી દરેક માનવસંસ્કૃતિમાં આ એક ઘટનાને ભારે મહત્વ આપીને (પોતપોતાની જીંદગી પૂરતી) અભૂતપૂર્વ બનાવી દેવામાં આવી છે. પછી એમાં નાચગાના, મહેફિલ, ખાનાપીના, ઠાઠઠઠારો, ઘૂમધડાકા, રંગરોશની બઘું જ આવી જાય… ઈટ્‌સ પર્સનલ ફેસ્ટિવલ! જો કે, ફાધર વાલેસે એકવાર લખેલું કે લગ્નસમારંભો પૂરા થાય એટલે બંને પક્ષના સ્વજનો ઉપરાંત જાનૈયા-માંડવિયા-રસોઈયા સહુ કોઈ ‘હાશ, પતી ગયું’ કહીને નિરાંત અનુભવે છે. પણ માત્ર બે જ પાત્રો વર-કન્યા માટે બઘું પૂરું થવાની આ ક્ષણે સઘળું ‘શરૂ’ થતું હોય છે – આજીવન, લાઈફટાઈમ!

લેકિન, હિસ્ટરી ગવાહ હૈ કિ મેરેજ ઇઝ મિસ્ટરી! રોડની ડેન્જરફિલ્ડે કહેલું ‘હું અને મારી પત્ની ૨૦ વર્ષ સુધી સુખી હતા… પછી અમે મળ્યા…!’  😛 દક્ષિણ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલા ૨૭ વર્ષ સુધી કારાવાસમાં હતા, અને એમના પત્ની વિની મંડેલાએ ખભે ખભા મિલાવી સાથ આપ્યો હતો. જેલમાંથી નેલ્સન બહાર આવ્યા, પ્રમુખ બન્યા અને બે જ વર્ષમાં લગ્નજીવન પડી ભાંગ્યું!) મર્યાદાવશ જે પ્રગટપણે ન કહી શકે, એ કેટલાક વેલવિશર્સ જમાના મુજબ હિંમત કરીને ‘મજાક’માં કહે છે – ‘આ જુવાનીના ખરા વર્ષો જ માણવાના છે. જરાક સમજો, એને વેડફો નહિ…’ આવી ગંભીર વાત પરના હળવા ટૂચકા ખુલ્લેઆમ રચતા પશ્ચિમમાં જેફ ફોક્સવર્ધીએ સ્માર્ટ કોમેન્ટ કરી હતી ‘માત્ર શય્યાસુખ માટે લગ્ન કરવા એ તો મફત શીંગદાણા માટે બોઈંગ ૭૪૭ ખરીદવા જેવું થયું!’ 😉

ઓકે. હનીમૂન પછીના સંસારમાં થાય છે, એમ ગાડી આડે પાટે ચડી ગઈ. સો વાતની એક વાત એ છે કે આપણને, સામાજીક મનુષ્યપ્રાણી હોવાના નાતે કોઈના મનોમન ચોકઠાં ગોઠવવામાં, કોઈને પરણતું જોવામાં (સિવાય કે એ તમારા એક્સ-લવર હોય!:P), કોઈનું જોડલું જોઈને અભિપ્રાયશૂરા થવામાં એક અજીબ જલસો પડે છે. કદાચ આ કુદરતી ઇન્સ્ટિન્કટ હશે. આકર્ષણ કે જાતીયાતાના વિજ્ઞાન પર અનેક પરીક્ષણો-સર્વેક્ષણો થયા છે. પણ પોતાના સિવાયના બે જણ પરણતા હોય એમાં જનમાનસને આટલો રસ કેમ પડે છે, એ સંશોધનનો વિષય છે!

આ જુઓ ને… અભિષેક-ઐશ્વર્યા. આખું મિડિયા બેગાની શાદીમેં અબ્દુલ્લા દીવાના થઈ ગયું હતું ને! કોઈ પંડિતજીને મળી આવ્યા. કોઈએ ઘરપરિવારના સભ્યોની કાનાફૂસી કરી. કોઈ કુંડળીના ગ્રહ મેળવવા લાગ્યા. ઐશ્વર્યાનું તો એક જમાનામાં વિવેક સાથે પણ નામ ચર્ચાતું હતું. પણ હવે તો અભિષેક… આપણા અમિતાભભાઈનો કલૈયો કુંવર… બચ્ચનઘરાનામાં ઐશ્વર્યા વહુ તરીકે ફિટ થશે? ખાનદાન કી ઈઝ્‌ઝત મિટ્ટીમાં નહિ મિલાવે ને? કે વિશ્વસુંદરીને આ ઊંટમુખો અભિષેક ઊપાડી ગયો… (આમ તો દહીંથરા હંમેશા કાગડાઓને જ મળતા હોય છે!) 😀 આ મોટી ઉંમરની છોકરી સાથે એનાથી નાની ઉંમરના વરનું ગાડું ગબડશે? બેય પ્રેમમાં છે? કે વહેમમાં છે? કે પછી બેઉની ફિલ્મોની પબ્લિસિટી માટે આપણને ભ્રમમાં રાખવા માંગે છે? છોકરા-છોકરી માંગલિક છે? મિયાં-બીબી રાજી હોય તો કુંડળીને કાજી બનાવવી જોઈએ? બંને પરણશે તો ક્યારે? ક્યાં? કેવી રીતે?

બસ, બધાએ ઉપાડો લીધો હતો. ધારી ધારીને બંનેના એકાદ મરકલડાંનું પણ અડધી કલાક મૂલ્યાંકન કરાતું હતું.. બડે બચ્ચનસા’બ મજાકમાં અભિષેકને ત્યાં પારણું બંધાવાનું કહી ચૂક્યા કે નવેસરથી બધાને હુમલો આવ્યો. દાદા બનવાની હોંશના સૂરજ બડજાત્યા બ્રાન્ડ ઈમોશન્સથી લઈને મામલાને ‘પુત્રેષણા’ના પ્રચારથી વધતી ભ્રુણહત્યા સાથે જોડી દેવાયો! બાલ કી ખાલ નિકાલ દો! આવું જ સાજનમાજન એક જમાનામાં અભિષેક-કરિશ્મા અને સલમાન-ઐશ્વર્યા માટે પણ હિલોળે ચડેલું… જોડીઓ બદલતી ગઈ, પણ લગ્નનો સામૂહિક થનગનાટ નહિ!

સલમાનભાઈ તો દૂધના વારંવાર દાઝેલા બનીને કેટરિના-ઝરીન  ઇત્યાદિ  છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે, અને કોઈ પૂછે તો એના પર ગરમ દૂધ ફેંકતા હોઈને એમને હમણા બધાએ પડતા મૂક્યા છે. પણ સૈફ-કરીનામાં આખા દેશને રસ પડે છે, ત્યાં લગી એની રસિક વાર્તાઓ આપણે ‘પરી અને રાજકુમાર’ની સ્ટાઈલમાં સાંભળ્યા કરવાની છે. (ભલે સમયાંતરે કાં પરી, કાં રાજકુમાર બદલાઈ જાય!:-D)

આવો જ ગોકીરો હોલીવૂડ સ્ટાર એલિઝાબેથ હર્લી અને ભારતીય ઉદ્યોગપતિ અરૂણ નાયરના લગ્નની અફવાઓએ સર્જ્યો હતો. પણ એ બંનેને એટલી બધી વાર ‘પૈણ’ ચડ્યું કે થાકીહારીને – પબ્લિકનું ‘પૈણ’ ઉતરી ગયું! (લીઝનું શેન વોર્ન સાથેનું લફરું ગાજ્યું , પણ એનાઅરુણ જોડેના છૂટાછેડા ના ગાજ્યા!) આ કંઈ ભારતમાં જ થાય છે એવું નથી. પ્રિન્સ ચાર્લ્સથી લઈને બ્રેડ પિટ, પામેલા એન્ડરસનથી લઈને બ્રિટની સ્પિયર્સ, લક્ષ્મી મિત્તલની પુત્રીથી લઈને પ્રિન્સ આગાખાનના પુત્ર, ઈમરાનખાનથી લઈને ફરદીનખાન… અનેક વખત દેશ-વિદેશમાં આ ઘટનાઓ બનતી રહે છે.(લાસ્ટ બટ નોટ લિસ્ટ, પ્રિન્સ વિલિયમ-કેટ મિડલટન! )

જનતા જનાર્દન મેરેજક્રેઝી છે. વાર્તાના નાયક-નાયિકા કે કોમિકબૂકના સુપર હીરો-હીરોઈનના પણ લગ્ન થઈ જાય એમાં એમને એક ગજબનાક સંતોષ થાય છે. ‘નાચ બલિયે’ જેવા પ્રોગ્રામ હોય કે ૨૧ રૂપિયાના ચાંદલાવાળા મેરેજ રિસેપ્શન હોય કે પછી છાપાં-મેગેઝિનમાં છપાયેલી કોઈ સેલિબ્રિટી કપલની તસવીર… રૂપેરંગે રૂડી એવી એકબીજાને પૂરક જોડી જોવા મળે કે આંખોમાં કપૂર આંજ્યું હોય એવી ઠંકડ મળે છે. જરાક ઉંમર, દેખાવ કે હૈસિયતમાં ઉંચનીચ કે વધઘટ જોવા મળે કે કશુંય લાગતું વળગતું ન હોય તો પણ હાયબળતરાની કાનાફૂસી શરૂ!

શેરીના ઓટલાથી લઈને ગ્લેમરસ લાઈફસ્ટાઈલ બૂક્સ સુધી બધાને બસ દાંપત્યના સાક્ષી બનવામાં ખાસ્સો રસ પડે છે. ઈટ્‌સ નેવર એન્ડિંગ રિયાલિટી એન્ટરટેઈનમેન્ટ! મૂળ તો ડ્રોઈંગરૂમમાં બેઠા હો, તો પણ બાથરૂમ કે બેડરૂમમાં છૂપી કે તિરછી નજર રાખવી એ માનવસ્વભાવ છે (પીપિંગ ટોમ!) …કદાચ મોટા ભાગના લોકો સ્વયમની કે આસપાસની જીંદગીમાં અભાવવાળા ખટાશ-કડવાશથી ચકચૂર લગ્નો જ જોતાં કે અનુભવતા હશે. માટે બીજાની જોડલીને જોઈને ઈર્ષા કે રાજીપો મેળવતા હશે. સપ્તપદીના મંત્રો સમજવા કરતા વર-કન્યાની ઝલક જોવા માટે – એટલે જ બધા આતુર હોતા હશે?

ખેર, વાત ‘લાડવા’ ખાવામાંથી શરૂ થયેલી. કંટાળીને તમે ‘લાડવા તો મારા બારમા-તેરમામાં ય ખાઈ શકાય’ એવી અવળવાણી બોલો, તો ય એકાદ વ્યક્તિ ચૂપ થશે – ત્યાં નવા ખૂણેથી નવું કોઈ એના રિપ્લેસમેન્ટ માટે જાગી ઉઠશે… અને રખે એવું માની લેતા કે આ પ્રશ્નપત્રનો લગ્ન કરી લેવાથી અંત આવશે. જેવા લગ્ન થઈ જશે કે થોડા સમય પછી ‘બાળકો ક્યારે પેદા કરો છો?’નું નવું ક્વેશ્ચનપેપર ચોમેરથી ફૂટી નીકળશે! નસીબજોગે સમયસર એ ય થઈ જાય તો ‘નવું મકાન ક્યારે લો છો?’, ‘ઘરની ગાડી ક્યારે લો છો?’, ‘ફોરેન ક્યારે જવાનું ગોઠવો છો?’, ‘સાથે બહાર ફરવા કેમ નથી નીકળતા?’, ‘સતત સાથે જ કેમ હો છો?’ …પેટાપ્રશ્નોની તડાફડી શરૂ! 🙂

યાદ છે ને, મિડિયાએ કરિશ્મા કપૂરના લગ્ન પછી છૂટાછેડામાં પણ એટલો જ ઉધમ મચાવ્યો હતો. રણધીર કપૂરે અકળાઈને કહી દીધેલું : આપ લોકોને જીંદગી કો ટીઆરપી બના દિયા હૈ. લગ્ન જેટલી જ મજા સમાજને લગ્ન પછીના કજીયાકંકાસ અને છૂટાછેડાની કૂથલીમાં આવતી હોય છે. મોટે ભાગે તમારા લગ્ન થાય એ જોવા હરખપદૂડા થઈ જતા લોકો પછી લગ્નજીવનના પ્રશ્નો ઉકેલવા સમ ખાવા પણ ડોકાતા નથી. માનસિક તો શું, આર્થિક તો શું… સમય આપવા જેટલી પણ મદદ કરી શકતા નથી.:P

કેવળ ચાલુ ચીલાએ ચાલવા માટે જ તમને પરણી જવાની સલાહ આપનારાઓ પાસે શિખામણ સિવાય કોઈ પ્રશ્નોનો ઉકેલ નથી હોતો. ‘પાર્ટી’ ક્યારે આપો છો? પૂછનારને ‘બિલ ચૂકવી દેશો?’ જેવો પ્રશ્ન પૂછો તો ઉડનછૂ થઈ જાય… એમ આ લગનશૂરાઓની લગનીનો તપોભંગ કરવા ‘કાલે જ પરણવું છે, કરો તૈયારી, લાવો વર/કન્યા!’ એવું પ્રતિઆક્રમણ કરો તો જોયા જેવી થાય! 😀

હા, કેટલાક આ જ પળની રાહ જોઈને બેઠેલા ‘ફિક્સર્સ’ પોતાની બાજીનું પાનું ઉતરે… – પણ એ એમની પસંદગીનું પાત્ર હોય – તમારી પસંદગીનું નહિ! અને ફરી વાર, પરણવાની ઉછળી ઉછળીને વકીલાત કરનારાઓ પ્રોબ્લેમ્સની જવાબદારી લેવા તૈયાર નથી હોતા. લાડવા ઝાપટનારાઓ વાસણો માંજવા બેસતા નથી હોતા! દરેક જલસા પાછળ એક જંજાળ હોય છે.

ઈટ્‌સ નોટ ઈઝી! લગ્ન બે વ્યક્તિ વચ્ચે થતી પ્રક્રિયા છે. એરેન્જડ સોદાઓ કે કાર્યક્રમો થાય… પ્રેમ નહિ! અને લવ વિના લગ્ન કરવા એ લાડવા ખાવાની નહિ, કાળી જીરી કે કાકચિયાનો કવાથ પીવાની ઘટના છે. પ્રેમ થવાથી પણ સમસ્યા ઉકેલાતી નથી. વઘુ ગૂંચવાય છે. ગેબી ચપટી વાગવાથી ફૂટતું પ્યારનું ઝરણું પણ કાફી નથી. એ તો ૫૦% સંમતિ થઈ – આ વન મેન કે વુમન શો નથી. ડ્યુએટ સોંગ છે.

જે કારણોથી તમે લગ્નની ના પાડો, એ જ કારણોથી કોઈ તમને પણ ના પાડે, તો કેમ મનાવો? બંને પાર્ટીની ‘સહ-મતિ’ વિના લાખ ઇચ્છા હોય તો પણ લાડવા પાર્ટી એરેન્જ કરીને શુભચિંતક સમાજને તૃપ્ત કરી શકાતો નથી! તમાચો મારી ગાલ લાલ કરી, મોં પર સ્મિતનું સ્ટીકર રાખી વાત ટાળવી પડે છે. બાકી, તો લગ્નવિધિ કે તિથિ માણસ નક્કી કરે છે – લગ્ન ઈશ્વરીય આશીર્વાદ વિના શક્ય છે ખરા?

છતાંય દુનિયાના દરેક અપરણિતોએ યાદ રાખવા જેવું છે – આવા સવાલોથી ગમે તેટલી અકળામણ થાય, તો ય એ આવકાર્ય છે. કારણ કે જેવી તેવી પણ કોઈક તમારા અસ્તિત્વની ફિકર કરે છે, એનો એ અહેસાસ આપે છે. આવું બધા પૂછતા બંધ થઈ જાય કે કોઈ આવી ચિંતા કરનારું હોય જ નહિ એ એકલતાના અંજપા કરતા, આ સવાલ-જવાબની મીઠી મૂંઝવણ સારી! 😛

ઝિંગ થિંગ !

world’s shortest love story :

He tried,
She smiled.
Baby cried! 😉


###અને હા, આ ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મનો આ ફેન્ટાસ્ટિક, સુપર્બ, હિલેરિયસ, એકલે હાથે ચોક્કા છક્કાની રમઝટ બોલાવતો, દાંડીયાની નોન સ્ટોપ ચલતીની રમઝટ જેવો આ  સીન જરૂર જુઓ…થાળી ભરીને લાડવા ઝાપટ્યાનો આનંદ થઇ જશે…બોલો લાડવા ખવડાવ્યા કે નહિ? 😉 lolzzzz


 
41 Comments

Posted by on September 23, 2011 in fun, personal